Click to find your nearest clinic
Abortion & Vasectomy Services - Marie Stopes Clinics

ગર્ભપાતની માહિતી

જેમની માતૃભાષા અંગ્રેજી ન હોય તેવી મહિલાઓ માટે ગર્ભપાત વિશે અમે માહિતી પૂરી પાડી છે. અમે અમારા કેન્દ્ર દ્વારા યુકે અને યુકે બહારની રહીશ હોય તેવી ઘણી મહિલાઓને તપાસીએ છીએ અને અમારી ટીમ શક્ય હોય તેટલી રીતે સહકાર આપવા અને મદદ કરવા માટે હાજર છે.

વિભાગ 2 આપ ગર્ભવતી છો એમ માનતા હો તો મદદ મેળવવી

ગર્ભપાત

જો આપને માલૂમ થાય કે આપ ગર્ભવતી થયા છો અને ગર્ભપાતનો વિચાર કરતા હો તો મેરી સ્ટોપ્સ કેન્દ્રો ખાતે અમે જે સેવાઓ પૂરી પાડીએ છીએ તેના વિશેની થોડી માહિતી અહીં છે. અહીં અમે આપને મદદ કરવા માટે છીએ અને બધી જ બાબતો સંપૂર્ણપણે ગુપ્ત રહેશે.

ગર્ભાવસ્થા પરીક્ષણ

આપ ગર્ભવતી છો તેની ખાતરી કરવા માટે ગર્ભાવસ્થા પરીક્ષણ કરો. આપ કેમિસ્ટ પાસેથી કે સુપરમાર્કેટમાંથી ખરીદી શકો છો અથવા સ્થાનિક કુટુંબ નિયોજન ક્લિનિક ખાતે પરીક્ષણ કરાવી શકો છો.

આપની અપોઈન્ટમેન્ટ ગોઠવવી

જો આપ ગર્ભપાતની ચર્ચા-વિચારણા માટે મેરી સ્ટોપ્સ ઈન્ટરનેશનલ સાથે અપોઈન્ટમેન્ટ ગોઠવવા માંગતા હો તો અમને +44 (ઑફિસ)845 300 8090 પર કૉલ કરો. અમારી માહિતી સેવા 24 કલાક અને અઠવાડિયાનાં 7 દિવસ ખુલ્લી છે.

જ્યારે આપ અમને ટેલિફોન કરશો ત્યારે અમે આપને કેન્દ્ર ખાતે આવવા માટે તારીખ અને સમય આપીશું અને આપે ક્યાં જવાની જરૂર છે તે કહીશું. જો આપને ટેલિફોન કૉલ વખતે વાત કરવામાં મદદની જરૂર પડે તો કૃપા કરીને અંગ્રેજી બોલતી કોઈ વ્યક્તિ કે જે આપની વિશ્વાસુ હોય તેની સાથે વાત કરાવવાનો પ્રયત્ન કરો. જ્યારે આપ મેરી સ્ટોપ્સ સેન્ટર ખાતે આપની અપોઈન્ટમેન્ટ માટે આવો ત્યારે પણ આપને મદદની જરૂર પડી શકે છે કારણ કે ત્યાં આપના માટે ભાષાંતર કરી આપનાર કોઈ વ્યક્તિ હાજર હશે એવી બાંહેધરી અમે આપી શકતા નથી.

આપ એક જ દિવસે વિચારવિમર્શ અને ગર્ભપાતની સારવાર માટે આવવાનું પસંદ કરી શકો છો અથવા જો આપ ઈચ્છતા હો તો બે અલગ અલગ દિવસોએ પણ તેમ કરી શકો છો. જો આપને ખાતરી ન હોય કે શું કરવું તો માર્ગદર્શન પણ ઉપલબ્ધ છે. કૃપા કરીને અમને જણાવો કે આપને માર્ગદર્શન જોઈએ છે કે નહીં કારણ કે તે માટે એક દુભાષિયાની જરૂર પડશે.

જો આપ ખાનગીમાં આવવા માંગતા હો તો તે માટે ફી લાગશે ગર્ભપાત માટે અમારા ખર્ચ વિશે વધુ માહિતી માટે કૃપા કરીને મેરી સ્ટોપ્સનો ફી અંગેનો વિભાગ જુઓ. આ સિવાય જો આપ યુકેનાં રહીશ હો અને એનએચએસ સારવાર માટે લાયક સાબિત થતા હો તો આપ કુટુંબ નિયોજન ક્લિનિક ખાતે જઈ શકો છો અથવા આપના જીપી એનએચએસની મફત ગર્ભપાત સેવાઓ માટે આપની ભલામણ કરી શકે છે.

જો આપ 19-24 અઠવાડિયાનો ગર્ભ ધરાવતાં હો તો આપ મેરી સ્ટોપ્સ સેન્ટર ખાતે ગર્ભપાત માટે થોડાં કલાકોથી માંડીને એક દિવસ સુધી રહેશો. જો આપ લાંબા અંતરનો પ્રવાસ કરીને આવતા હો તો અમે આપને આગલી રાત્રે કોઈક હોટલમાં રોકાવાની અને સારવાર બાદ આપ ઘરે જાઓ તે પહેલાં બેડ અને બ્રેકફાસ્ટ સાથેનાં રહેઠાણમાં રોકાવાની ભલામણ કરીએ છીએ. જો આપ આ અંગે કોઈપણ વિગતો જાણવા માંગતા હો તો અમારી ટીમ +44 (ઑફિસ)845 300 80 90 પર આપને મદદ કરી શકે છે.

આપના માટે વિચારવિમર્શ

જ્યારે આપ મેરી સ્ટોપ્સ સેન્ટર ખાતે આવો ત્યારે સૌપ્રથમ આપ ડોક્ટર અથવા નર્સને મળશો જેઓ આપની સાથે વાત કરીને ખાતરી કરશે કે આપ ગર્ભપાત કરાવવા વિશેના નિર્ણય પર પહોંચ્યા છો. તેઓ આપના તબીબી ઈતિહાસ, આપના સામાન્ય સ્વાસ્થ્યની ચકાસણી કરશે અને આપ લો તેવી કોઈપણ દવાઓ વિશે પૂછશે તથા ગર્ભનિરોધન અંગે આપની સાથે ચર્ચાવિચારણા કરશે. આપ સેન્ટર ખાતે હો ત્યારે આપ થોડાં પરીક્ષણો કરાવશો ફિંગર પ્રિક બ્લડ ટેસ્ટ અથવા લોહીનો નમૂનો, આપ જેટલા અઠવાડિયાનો ગર્ભ ધરાવતા હો તેનો સ્કેન અને આપના રક્તદાબની ચકાસણી કરવામાં આવશે. અમે એવી પણ સલાહ આપીએ છીએ કે બધી મહિલાઓએ સારવાર પહેલાં ક્લેમિડીયા રોગનાં ચેપ માટે ચકાસણી કરાવવી જોઈએ. અમે ગર્ભપાતની સારવારનાં વિકલ્પો વિશે પણ સમજાવીશું. અમારા ડોક્ટરે ગર્ભપાત માટે એક સત્તાવાર ફોર્મ ભરવાની જરૂર પડશે અને અમારે આપની સહી મેળવવાની જરૂર પડશે જેથી આપ સારવાર કરાવવા માટે સંમતિ આપો છો તેવું બતાવી શકાય.

વિભાગ 3 ગર્ભપાતની સારવારનાં વિકલ્પો

મેરી સ્ટોપ્સ કેન્દ્રો ગર્ભપાતની બે પ્રકારની વિધિઓ ઑફર કરે છે:

તબીબી ગર્ભપાત અથવા ગર્ભપાતની ગોળી (9 અઠવાડિયા સુધીની ગર્ભાવસ્થા હોય તેના માટે)

ગર્ભપાતની આ પદ્ધત્તિ માટે આપ 9 અઠવાડિયા કરતાં ઓછા સમયનો ગર્ભ ધરાવતા હોવા જોઈએ તે જરૂરી બનશે.

તેમાં ટેબ્લેટ લેવાનો સમાવેશ થાય છે અને આપે મેરી સ્ટોપ્સ સેન્ટરની બે મુલાકાતો લેવાની જરૂર પડશે જેની વચ્ચે 24 - 48 કલાકનો ગાળો હોવો જોઈશે. આથી આ સારવાર થાય ત્યારે આપે 2-3 દિવસ માટે દેશમાં રહેવું પડશે.

આપ આ પ્રકારની સારવાર શા માટે ન કરાવી શકો તેનું કોઈપણ તબીબી કારણ ન હોય તેની અમે ચકાસણી કરીશું. આપને પ્રથમ મુલાકાતે એક ટેબ્લેટ આપવામાં આવશે અને બીજી મુલાકાતે ચાર ટેબ્લેટ આપવામાં આવશે. આ ટેબ્લેટ ગર્ભાવસ્થાને આગળ વધતી અટકાવીને અને ગર્ભાશયને ગર્ભ બહાર ફેંકી દેવાની ફરજ પાડીને કસુવાવડ કરશે. આપે બધી ટેબ્લેટ લેવી પડશે. આપ ભારે રક્તસ્ત્રાવ અને તાણ અનુભવી શકો છો અને આખરી ટેબ્લેટ્સ લેવાના સામાન્ય રીતે 4 કલાકની અંદર ગર્ભાવસ્થાનો અંત આવશે. ક્યારેક ટેબ્લેટ લીધા બાદ આમાં એક કે બે દિવસનો સમય લાગી શકે છે અને થોડોક રક્તસ્ત્રાવ બેએક અઠવાડિયા સુધી ચાલી શકે છે.

શસ્ત્રક્રિયાથી ગર્ભપાત (24 અઠવાડિયાના ગર્ભ સુધી)

અમે 24 અઠવાડિયા સુધીની ગર્ભાવસ્થા માટે શસ્ત્રક્રિયાથી ગર્ભપાતની સુવિધા પૂરી પાડી શકીએ છીએ. આ સારવારમાં આપ સારવાર બાદ સીધા ઘરે જઈ શકશો. શસ્ત્રક્રિયાથી ગર્ભપાતમાં ગર્ભાશયમાંથી ગર્ભ દૂર કરવા માટે હળવા સક્શનનો ઉપયોગ થાય છે. આમાં લગભગ 5-10 મિનિટ લાગે છે અને આપ ઘરે જતા પહેલાં સ્વસ્થ છો અને આપને સારું લાગે છે તેની ખાતરી કરવા માટે આપે બાદમાં ક્લિનિક ખાતે થોડો સમય ગાળવાની જરૂર પડશે. બીજા પ્રકારનાં ગર્ભપાત માટે આપે સેન્ટર ખાતે લાંબો સમય રોકાવાની જરૂર પડશે.

  1. આ પદ્ધત્તિ માટે આપ એનેસ્થેશિયાનાં ત્રણ અલગ અલગ વિકલ્પો ધરાવી શકો છો: 1.સારવાર દરમિયાન સંપૂર્ણપણે ભાનમાં હોવું
  2. ઊંઘ આવતી હોય તેવી સ્થિતિમાં હો છતાં જાગતા હો જેમાં કોન્શિયસ સિડેશન કહેવાતું નાનું ઈન્જેક્શન આપવામાં આવે છે.
  3. અમે સામાન્ય એનેસ્થેટિક પણ આપીએ છીએ જેમાં આપ સંપૂર્ણપણે બેભાન હશો - બીજા પ્રકારનો ગર્ભપાત હંમેશા સામાન્ય એનેસ્થેટિકથી જ કરવામાં આવશે.

ગર્ભપાતના જોખમો

ગર્ભપાત ઘણી સલામત વિધિ હોવા છતાં કેટલાંક જોખમો છે જેના વિશે ખ્યાલ હોવો જોઈએ. આમાં ચેપ લાગવો, ગર્ભાવસ્થા ચાલુ રહેવી, ગર્ભપાત અધૂરો રહેવાનાં નાના જોખમો અને બહુ જ ઓછા કિસ્સાઓમાં ગર્ભાશયને નુકસાન થવાનો સમાવેશ થાય છે. આપ અમારી સાથે વિચારવિમર્શ કરતાં હો ત્યારે અમે આ અંગે આપની સાથે ચર્ચાવિચારણા કરીશું.

આપની સારવારના દિવસે

આપની સારવારની અપોઈન્ટમેન્ટનાં 6 કલાક પહેલાં આપે કંઈ ખાવું કે પીવું નહીં. પાણી પણ પીવું નહીં અને ધુમ્રપાન કરવું નહીં.

આપના સાથીદાર/મિત્ર/સંબંધી આપને આપની સારવારની અપોઈન્ટમેન્ટ માટે લાવી શકે છે પરંતુ જ્યારે આપ આપની શસ્ત્રક્રિયા કરાવતા હો ત્યારે તેઓ રોકાઈ શકશે નહીં. આપને ઘરે લઈ જવા માટે તેઓ પાછા ક્યારે આવી શકે તે માટે તેમને સમય આપવામાં આવશે.

આપની શસ્ત્રક્રિયા સાથેની સારવાર બાદ આરામ કરવાનો સમય આપવામાં આવશે અને આપ ક્લિનિક છોડીને જઈ શકો તેટલા સ્વસ્થ છો તેની અમે ખાતરી કરીશું.

વિભાગ 4

ગર્ભપાત પછી

જ્યારે આપ ઘરે જાઓ ત્યારે

આપ ઘરે જાઓ ત્યારે આપની પોતાની કાળજી કઈ રીતે રાખવી તે અંગે અમે આફ્ટરકેયર અંગેની પૂરેપૂરી સૂચનાઓ આપીશું. 0845 300 8090 પર 24 કલાકની આફ્ટરકેયર હેલ્પ અને સલાહ માટેની લાઈન છે.

અમે આપને ઓછામાં ઓછા 24 કલાક માટે આરામ કરવાની સલાહ આપીએ છીએ. આપ બીજા દિવસે શાવર લઈ શકો છો; અમે આપને એક અઠવાડિયા માટે નહાવા કે તરવાની પ્રવૃત્તિ ન કરવાની અને આપનો રક્તસ્ત્રાવ બંધ ન થાય ત્યાં સુધી પરફ્યુમનો ઉપયોગ ન કરવાની સલાહ આપીએ છીએ. આપે ભારે ઘરકામ કે શારીરિક કાર્ય કરવાનું ટાળવું જોઈએ કારણ કે તેનાથી આપને ઠીક ન લાગે તેમ બની શકે છે અને રક્તસ્ત્રાવ કે દુ:ખાવો થઈ શકે છે. જો આપની નોકરીમાં શારીરિક કામ વધારે કરવું પડતું હોય તો આપે થોડા દિવસની રજા લેવી જોઈએ. ગર્ભપાત બાદ બધા દર્દીઓને થોડો રક્તસ્ત્રાવ થશે જે થોડા સમય માટે ચાલી શકે છે. ગર્ભપાત બાદ આપને કોઈપણ મદદ અને સલાહ જોઈતી હોય તો અમારી 24 કલાકની આફ્ટરકેયર સેવા પૂરી પાડે છે અને જો આપને કોઈપણ બાબતની ચિંતા હોય તો ક્લિનિક ખાતે સારવાર બાદની ચકાસણી અમે પૂરી પાડી શકીએ છીએ. જો આપને અમારી હેલ્પલાઈનને કૉલ કરવાની જરૂર પડે તો આપની સાથે અંગ્રેજી બોલતા મિત્ર હાજર હોય તેની ખાતરી કરો.

પેઈન કિલર્સ લેવા

કૃપા કરીને એ વાતની ખાતરી કરો કે આપના ઘરે પેઈનકિલર્સ હોય; અમે પેરાસિટેમોલ અથવા આઈબુપ્રોફેન લેવાની ભલામણ કરીએ છીએ (આપ આઈબુપ્રોફેન લઈ શકો તેમ છો તેવી ખાતરી કરી શકતાં હો તો જ તે લો) એસ્પિરિન પ્રોડક્ટ્સ લેશો નહીં

ગર્ભપાત બાદ આપની પોતાની કાળજી રાખવી તબીબી અથવા શસ્ત્રક્રિયાથી ગર્ભપાત કરાવ્યા બાદ આપના સ્વાસ્થ્ય પર અથવા ભવિષ્યમાં માતા બનવાની ક્ષમતા પર બહુ ઓછું જોખમ રહેલું છે; પરંતુ ચેપનું જોખમ ઘટાડવા માટે આપના આગામી માસિક સુધી માત્ર પેડ્સનો જ ઉપયોગ કરો અને ટેમ્પનનો ઉપયોગ કરશો નહીં. બે અઠવાડિયા સુધી જાતિય સમાગમ કરશો નહીં.

સારવારનાં સમયે ગર્ભાવસ્થા ચૂકી જવાય અથવા અધૂરી રહે તેવું નાનું જોખમ છે. જો આપને ચેપનાં ચિહ્નો જોવા મળે- જેમાં શરીરનું તાપમાન વધવાનો અને સામાન્ય ફ્લુ જેવા લક્ષણોનો સમાવેશ થાય છે તો કૃપા કરીને શક્ય તેટલી જલ્દી અમારો સંપર્ક કરો.

સલાહ માટે અમે 0044 (ઑફિસ)845 300 8090 પર 24 કલાક ઉપલબ્ધ છીએ. કૃપા કરીને આપ ફોન કરો ત્યારે આપનો ચાર અંકોનો પિન નંબર તૈયાર રાખો.

આપનું આગામી માસિક


Abortion information in different languages
Privacy Statement